અમારી વેબસાઇટ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

"મન હોય તો માળવે જવાય " એ સંદર્ભમાં શૂન્ય પાલનપુરીનો શેર આજે પણ સફળતા નો ગુરૂ મંત્ર જ છે કે...

કદમ અસ્થિર છે જેના, એ મુસાફિરને રસ્તો જડતો નથી ;
અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી.

એ મુજબ અખૂટ મનોબળ અને અતૂટ શ્રદ્ધા હોય ત્યારે ચમત્કારિક રીતે સફળતા મળે જ છે તેની જીવંત અનુભૂતિ એટલે ... શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટનો ઇતિહાસ.


એકવીસમી સદીના પહેલા જ વર્ષમાં આવેલા કારમાં ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી... એ સમયે અમદાવાદના સ્થાનકવાસી જૈન સમાજના ઘણા પરિવારો ભૂકંપનો ભોગ બન્યા.હોનારતના એ કાટમાળ નીચેથી નીકળેલી હ્રદયદ્રાવક ચીસોએ સ્થાનકવાસી જૈન સમાજના કાળજે શારડી ફેરવી દીધી .આ ગોઝારી ઘટનાથી કંપેલા હજારો હાથ આપણા જ ભાઇઓની પડખે ચડીને આ ખોફના ખમૈયા કરવા સાબદા બન્યા .
અમદાવાદના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘો એકઠા થયા અને માનવતાની ઝોળી ભરી દેવા બુલંદ હાકલ પડી...જોતજોતામાં રૂ. ૩૨ લાખની માતબર રકમ એકઠી થઇ ગઇ અને શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટનો જન્મ થયો.આમ આ ટ્રસ્ટ અમદાવાદના સમગ્ર સ્થાનકવાસી જૈન સંઘોનું સહીયારું ટ્રસ્ટ બન્યું.એકત્રિત થયેલા ફંડમાંથી ભૂકંપગ્રસ્ત ૨૭૬ કુટુંબોના આઘાતમાં મલમપટ્ટા થયાં...


જૈન સમાજના ખમીર અને ખુમારીએ ઇતિહાસ સર્જ્યો ;પરંતુ ભૂકંપથી અસરગ્રસ્ત બનેલી કેટલીક વ્યક્તિઓએ એ મદદ સહાયરૂપે લેવાના બદલે લોન સ્વરૂપે લેવાનું પસંદ કર્યું અને આ લોન પરત આવતાં ટ્રસ્ટ પાસે અંદાજે ૪ થી ૫ લાખ રૂપિયાની રકમ ફાજલ પડી.માનવતાની મોંઘી જણસ જેવી શ્રધ્ધાપૂર્વક આવેલી એ રકમ , હવે ન દાતાઓને પાછી આપી શકાય કે ન એ વેડફાય , તો તેનું શું કરવું? ધર્મસંકટ સર્જતા આ કોયડાના નિરાકરણ માટે આ રકમમાંથી કોઇક રચનાત્મક કાર્ય કરવાની પ્રપોઝલ સૌએ સર્વાનુમતે વધાવી લીધી અને રોટી , કપડાં , મકાન પછીની આજના માનવીની ચોથી અનિવાર્યતા " ઉચ્ચ શિક્ષણ લોન ".


વૈશ્વિકરણના પગલે-પગલે વિજ્ઞાન અને ટેકનોલોજીની આંગળી પકડીને ગ્લોબલ વિચારધારા સાથે વિકાસની કેડીએ હરણફાળ ભરતી આ દુનિયામાં સિધ્ધિ અને સમૃદ્ધિ માટે ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય બન્યું છે , ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે , તો તેમની કારકિર્દીનાં ઉતુંગ શિખરો સમયના ટૂંકા ગાળામાં સર કરી શકે તેવો સમય આવ્યો છે કારણ કે દેશ આજે "હરિયાળી ક્રાંતિ... શ્વેત ક્રાંતિ ... આર્થિક ક્રાંતિ ... અને સંચાર ક્રાંતિના" પગલે પગલે શૈક્ષણિક ક્રાંતિના પંથે ઝડપથી હરણફાળ ભરી રહેલ છે .


પરંતુ તકલીફ એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉચ્ચ શિક્ષણ હવે એટલું ખર્ચાળ બની ગયું છે કે લક્ષ્મી વિના સરસ્વતીની આરાધના શક્ય નથી રહી .ઉચ્ચ શિક્ષણની કમ્મરતોડ ફી , સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના ગંજાવર ખર્ચ અને અન્ય શૈક્ષણિક ખર્ચના બોજાને કારણે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે એ એમના પરિવાર માટે પીડાજનક અને સમાજ માટે શરમજનક ઘટના છે.


તેથી જ "અમદાવાદ સ્થાનકવાસી જૈન સમાજનો દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછો કોઈ પણ પ્રોફેશનલ કોર્સમાં ગ્રેજ્યુએટ તો હોવો જ જોઈએ " એવા મક્કમ નિર્ધાર સાથે
શ્રી મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સંપ્રદાયના ભેદભાવ વગર અમદાવાદના સ્થાનકવાસી જૈન સભ્યોના તેજસ્વી બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજની લોન સહાય યોજનાનો ઉદભવ થયો .આમ આફતમાંથી અવસર ઉભો થયો ... પથ્થરમાંથી પગથિયું બન્યું .


પરંતુ મા...ત્ર ૪ થી ૫ લાખ જેવી નજીવી રકમમાંથી અમદાવાદ શહેરમાં વસતા ૧૨,૦૦૦ જેટલા સ્થાનકવાસી જૈન કુટુંબોના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનો પ્રશ્ર ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવો જટિલ હતો .છતાં ભામાશાના વારસદાર એવો જૈન દાનવીરો ઉપરની અતૂટ શ્રધ્ધા સાથે ૨૦૦૨-૨૦૦૩થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી .આ યોજના અન્વયે સમસ્ત અમદાવાદના કોઈ પણ સ્થાનકવાસી જૈન સંઘના સભ્યના તેજસ્વી કુટુંબીજનને ભારતની કોઇપણ માન્ય યુનીવર્સીટીની કોલેજ અથવા પોલિટેકનિકમાં અભ્યાસ માટે સંપૂર્ણ કોર્સ દરમ્યાન કોલેજની પૂરેપૂરી ફી , મહત્તમ મર્યાદા આધારિત , વગર વ્યાજની લોન સહાય સ્વરૂપે આપવામાં આવે છે .


શરૂઆતમાં સંકોચના કારણે માત્ર ૧૨ વિદ્યાર્થીઓએ જ આ યોજનાનો લાભ લીધો .પરંતુ ગુપ્તતાની સંપૂર્ણ ખાત્રી પછી વધુ ને વધુ વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લેતાં થયા છે અને અત્યાર સુધી કુલ ૨૭૨૨ જેટલા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે અને દિન પ્રતિદિન આ સંખ્યા હવે વધતી જ જાય છે .


શરૂઆતમાં ટ્રસ્ટની આર્થીક મર્યાદાના કારણે ૪ વ્યક્તિ સુધીના કમાતા સર્વે સભ્યોની વાર્ષિક કુલ આવક રૂ.૬૦,૦૦૦/- કે તેથી ઓછી હોય તેમના કુટુંબીજનને રૂ.૮,૦૦૦/- લેખે ૪ કે ૫ વર્ષના પુરા અભ્યાસક્રમ સુધી લોન સહાય આપવામાં આવતી હતી .જે ઉદારદિલ દાતાઓના સહકારથી વાર્ષિક આવક રૂ. ૬,૦૦,૦૦૦/- થી વધારીને રૂ.૧૧,૦૦,૦૦૦/- સુધી તેમજ લોનસહાયની મહત્તમ રકમ વાર્ષિક રૂ.૪,૦૦,૦૦૦/- કરી શક્યા છીએ. બીજી અન્ય યોજનાઓ પણ કરી શક્યા છીએ જેની વિગત ' અમારી યોજનાઓ ' માં આપેલ છે .


શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ


ઉપરોક્ત તમામ લોનસહાય વગર વ્યાજે આપવા માં આવે છે.

સંપર્ક સુત્ર

શ્રી પ્રફુલભાઈ રસીકલાલ તલસાણિયા (પ્રમુખશ્રી)

૬, સંસ્કૃતિ બગ્લોઝ, સરકારી વસાહતના ખાચામાં, ડ્રાઇવ-ઇન રોડ, ગુરુકુળ પાસે, અમદાવાદ , ૩૮૦૦૫૨    ૯૮૨૫૦ ૩૨૨૦૬

C. A. શ્રી મનસુખભાઈ જસકરણભાઈ મેદાણી (ઉપપ્રમુખશ્રી)

૩૦૨, "સમૃદ્ધિ", સાકાર-૩ સામે, સી. યુ. શાહ કોલેજ પાછળ, ઇન્કમ્ટેક્ષ સર્કલ,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪    ૯૩૭૭૭ ૮૮૯૯૦

શ્રી રાજેશભાઈ હસમુખભાઈ શાહ(માનદ્દ મંત્રીશ્રી)

એ-૧૦, આશીર્વાદ ફ્લેટ, કલ્પતરૂ સોસાયટીની બાજુમાં, મિરામ્બિકા રોડ,
નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩     ૯૮૨૫૮ ૮૬૫૨૬

C.A. શ્રી જીતેન્દ્ર પ્રેમચંદ શાહ (કોષાધ્યક્ષ)

જે.પી. શાહ & કું., ૫૦૧ એડબલ્યુએસ ૨, વસુંધરા સોસાયટીની સામે, નવકાર સ્કુલ પાસે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ-૩૮૦૦૧૫     ૯૩૭૭૪ ૨૨૫૪૦